તું ભણ્યો તો છે, પણ જિંદગી જીવતા શીખ્યો નથી : ચિંતનની પળે

તું ભણ્યો તો છે, પણ

જિંદગી જીવતા શીખ્યો નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઉપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,

પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે,

ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું,

અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે.

-હેમંત પૂણેકર

 

પ્રેમ કરતા શીખવાડે એવી કોઈ પાઠશાળા નથી. સંવેદના સજીવન કરે એવી કોઈ સ્કૂલ નથી. આત્મીયતાને ઉજાગર કરે એવી કોઈ યુનિવર્સિટી નથી. ઇમોશન્સને જીવતા રાખે એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી. કરુણાનો કોઈ સિલેબસ નથી. તરવરતા રાખે એવી કોઈ ટેક્નોલોજી નથી. ‘એપ’થી અણઆવડતનો ‘ગેપ’ પુરાતો નથી. ‘આઝાદ’ થવાથી ‘મુક્ત’ થઈ જવાતું નથી. અભ્યાસ આપણને પાણીની સમજ આપી શકે, તરસ તો અનુભવે જ સમજાય. સ્પર્શ એટલે અડકવું એવો અર્થ થાય, પણ દિલના સ્પર્શમાં કંઈ અડકતું હોતું નથી, માત્ર અનુભવાતું હોય છે. ભણવા માટે સ્કૂલ કે કોલેજ હોય છે, પણ જીવતા તો જિંદગી જ શીખવે છે. તમને જીવતા આવડે છે? તો તમે ખરા અર્થમાં ભણેલા છો. ડિગ્રી એજ્યુકેટેડ બનાવે, કલ્ચર્ડ નહીં!

 

અભણ કરતાં ભણેલા લોકો વધુ આપઘાત કરે છે. હાઇલી એજ્યુકેટેડ લોકો કેમ ડિપ્રેશનમાં સરી જાય છે? એ તો વધુ ભણેલા છે, એને તો ડિપ્રેશનનાં બધાં જ સિમ્પટમ્સ અને કારણોની ખબર છે છતાં કેમ અંધકાર તરફ ધકેલાઈ જાય છે? ડિવોર્સ લેનારામાં મોટાભાગના ‘ભણેલા’ હોય છે. એને કેમ પ્રેમ, લાગણી કે દાંપત્ય સમજાતું નથી? દિલાવરી માટે ધનવાન હોવું જરૂરી નથી. દિલાવરી માટે દિલની જરૂર હોય છે, દોલતની નહીં. દાન માટે ‘ભાન’ની જરૂર હોય છે, ધનવાનની નહીં. દયા માટે ‘માયા’ નહીં, માયાળુ જિગર હોવું જોઈએ. એજ્યુકેશન માણસને રિયાલિસ્ટિકને બદલે ઇગોઇસ્ટિક કેમ બનાવી દે છે? તમે કેવા માણસ છો એ ડિગ્રીથી નહીં પણ વાત, વર્તન અને વહેવારથી નક્કી થતું હોય છે. ભણેલાઓની વસ્તી વધતી જાય છે અને જિંદગી જીવતા આવડતું હોય એવા લોકોની સંખ્યા ઘટતી જાય છે!

 

સંસ્કાર એટલે શું? સંસ્કારની વ્યાખ્યા કેવી હોય? માણસને સહજ, સરળ, સાત્ત્વિક અને સંવેદનશીલ બનાવે એ સંસ્કાર. દરેક માણસને ક્યારેક તો કંઈક ખોટું કરવાનું મન થઈ જ આવતું હોય છે. ક્યારેક તો એવું થતું જ હોય છે કે સારા રહેવાનો કોઈ મતલબ નથી. દુનિયા આખી લુચ્ચી છે. બધા જ લોકો સ્વાર્થનાં સગાં છે. હું શા માટે સારો રહું? સારા રહીને મને શું મળ્યું? બધા ખોટું કરીને જ આગળ આવે છે. સાચા માણસોનો જમાનો જ નથી. આવા વિચારો બધાને આવ્યા જ હોય છે. આમ છતાં સારો માણસ કંઈક ખોટું કરવાનું આવે ત્યારે એ કામ કરતો નથી. એ વિચારે છે, મારાથી આવું ન થાય. મને આવું ન શોભે. આવા વિચારો ક્યાંથી આવે છે? ખોટું કરતા આપણને કોણ રોકતું હોય છે? જે રોકે છે એ સંસ્કાર હોય છે, એ સમજ હોય છે અને એ જ્ઞાન હોય છે.

 

માણસ કેવો છે એ સુખમાં ખબર નથી પડતી, દુ:ખમાં વર્તાઈ આવતું હોય છે. ટકી કેવી રીતે રહેવું એ નિષ્ફળતા જ શીખવે, સફળતા નહીં. લડી કેવી રીતે રહેવું એ સત્ય જ શીખવાડે, અસત્ય નહીં. જિંદગી કેવી રીતે જીવવી એ આપત્તિ જ શીખવાડે, એજ્યુકેશન નહીં. એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને સવાલ કર્યો. સમજણ કે જ્ઞાન ક્યારે કામ લાગે? સાધુએ સુંદર જવાબ આપ્યો. સમજણ એ દીવા જેવું છે. દિવસે તમે દીવો પ્રગટાવો તો એનું અજવાળું બહુ દેખાય નહીં. દીવો તો અંધકારમાં જ સોળે કળાએ ખીલે. જ્ઞાન બધું સમુંસૂતરું હોય ત્યારે દેખાતું નથી, પણ જ્યારે અંધારું હોય, ક્યાંય ધ્યાન પડતું ન હોય, કોઈ દિશા સૂઝતી ન હોય ત્યારે જે દીવાની જેમ ઉજાસ ફેલાવે એ જ્ઞાન છે, એ સમજ છે, એ આવડત છે. તમે સમજુ છો તો તમે અંધકારમાં અટવાઈ નહીં જાવ. તમે ‘ગણેલા’ હશો તો મુશ્કેલીમાં ગભરાઈ નહીં જાવ.

 

શિક્ષણ આપણને એ શીખવાડે છે કે શું કરવું. સંસ્કાર આપણને એ સમજાવે છે કે શું ન કરવું. શિક્ષણ આપણને રોટલો કમાતા શીખવે છે, સંસ્કાર કોળિયાને મીઠો કરતા શીખવે છે. દવા માણસને સાજો કરે છે. સ્નેહ માણસને સજીવન કરે છે. દવા ખાઈ લેવી એ એક વાત છે અને કોઈ યાદ કરીને અને ચિંતા કરીને દવા ખવડાવે એ જુદી વાત છે. સ્નેહથી થયેલી સારવાર વધુ અને વહેલી કારગત નીવડે છે, એ સાબિત થયેલી વાત છે. ચાલતાં તો બધાને આવડતું હોય છે, પણ કોઈનો હાથ હાથમાં હોય તો ચાલવાનો ભાર લાગતો નથી. એક દંપતીની આ વાત છે. મોલમાં જાય ત્યારે એસ્કેલેટરમાં જવાની વાત આવે. પતિ દર વખતે એસ્કેલેટરમાં જવાનું કહે. પત્ની ચોખ્ખી ના પાડે. તે હંમેશાં એવું કહે કે, પગથિયાં ચડીને જવું છે. એક વખત પતિથી પુછાઈ ગયું. તું કેમ દર વખતે એસ્કેલેટરમાં જવાની ના કહી દે છે? પત્નીએ સાચું કારણ કહી દીધું. તું પગથિયાં ચડતી વખતે મારો હાથ પકડે છે એ મને ગમે છે. આડુંઅવળું પગથિયું હોય તો તું કહે છે, જો જે હોં. મારા પગ ઉપર તારી નજર હોય છે કે ક્યાંક હું ઠેબું ન ખાઈ જાઉં. ક્યારેક લથડું તો તું મને બંને હાથથી સંભાળી લે છે, પગથિયાં ચડતી વખતે તારો પ્રેમ મને ચોખ્ખો દેખાય છે, એ એસ્કેલેટરમાં ન દેખાય એટલે હું ના પાડું છું.

 

લાઇફ પાર્ટનરની પસંદગી વખતે તમે ડિગ્રી જુઓ છો કે ડિસન્સી? એક ડૉક્ટર દંપતીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. બંનેનું નાનકડું ક્લિનિક હતું. ડૉક્ટરના એક મિત્રએ મોટી હોસ્પિટલ બનાવી. એનું ઉદ્ઘાટન હતું. બંને એ ઉદ્ઘાટનમાં ગયાં. ઉદ્ઘાટન પ્રવચનમાં જેણે મોટી હોસ્પિટલ બનાવી હતી તેના વિશે એવું કહેવાય કે, એ બેસ્ટ ડૉક્ટર છે. કાર્યક્રમ પતાવીને પતિ-પત્ની ઘરે ગયાં. રાતે પતિએ પત્નીને કહ્યું કે, હું બેસ્ટ ડૉક્ટર નથી. આ વાત સાંભળીને પત્નીએ કહ્યું કે હા, કદાચ તું બેસ્ટ ડૉક્ટર નથી, પણ તું ધ બેસ્ટ સાથીદાર છે. તું બેસ્ટ ડૉક્ટર નથી, પણ સારો ડૉક્ટર તો છે જ. સારો ડૉક્ટર એટલા માટે છે, કારણ કે તું સારો માણસ છે. એ બેસ્ટ ડૉક્ટર છે. મોટી હોસ્પિટલ બનાવી છે. ખૂબ રૂપિયા કમાય છે, પણ તેં એ જોયું છે કે એ કેવું જીવે છે? એના કોઈ સંબંધ સશક્ત છે? તારી સરખામણી એની સાથે ન કર. તું ઉમદા છે. તું ઉદાર છે. તું દિલદાર છે. સૌથી મોટી વાત એ છે કે તું સહજ અને સરળ છે. તે બેસ્ટ ડૉક્ટર છે, તું ઉત્કૃષ્ટ માણસ છે. એ ધનવાન છે અને તું મૂલ્યવાન છે.

 

ભણેલાને સમજુ માની લેવો એ મોટી ભૂલ છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના કામમાં સારા હોય છે, પણ એના સિવાય એને બીજી કંઈ ખબર ન પડતી હોય એવું પણ બની શકે છે. એક વિદ્વાને કહેલી આ વાત છે. સારી રીતે જિંદગી જીવવામાં ભણતર માત્ર 20 ટકા જ કામ કરે છે. બાકીના 80 ટકામાં આપણી સમજ, આપણી આવડત અને આપણા સંસ્કાર હોય છે. આપણે આપણી જિંદગીની મોટાભાગની શક્તિ ભણતર પાછળ ખર્ચીએ છીએ. માતા-પિતા પણ તેમની પચાસ ટકા શક્તિ, સમય અને સંપત્તિ સંતાનોના અભ્યાસ પાછળ ખર્ચે છે. 20 ટકા માટે આપણે કેટલું બધું કરીએ છીએ? કરવું જોઈએ. કરીએ એમાં કંઈ વાંધો નથી. તકલીફ એ વાતની છે કે બાકીના 80 ટકા માટે આપણે કંઈ વિચારતા નથી. વિચારીએ તો પણ બહુ ઓછું વિચારીએ છીએ.

 

કામ, નોકરી, એચિવમેન્ટ કે સફળતા માટે આપણે જેટલા એલર્ટ હોઈએ છીએ એટલા આપણે આપણા સંબંધો, આપણી લાગણી, આપણી સંવેદના અને ખુદ આપણા માટે સજાગ હોઈએ છીએ ખરા? તમને તમારા પ્રેમને જાળવતા આવડે છે? તો તમે હોશિયાર છો! તમને તમારા પ્રેમી, પતિ કે પત્નીને સાચવતા આવડે છે? તો તમે સમજુ છો. તમને તમારા લોકોની વેદના સ્પર્શે છે? તો તમે સંવેદનશીલ છો. આપણી હંમેશાં એક ફરિયાદ હોય છે કે મને કોઈ સમજતું નથી. આ ફરિયાદ કરો એ પહેલા માત્ર એટલું વિચારો કે તમે કોને કેટલા સમજો છો?

 

એક માતા-પિતાએ દીકરીનાં લગ્ન માટે એક મૂરતિયો પસંદ કર્યો. દીકરી અને એ છોકરો મળ્યાં. ઘરે આવીને દીકરીએ કહ્યું કે, મારે એની સાથે મેરેજ કરવા નથી. પિતાએ કહ્યું, એ તો વેલ એજ્યુકેટેડ છે. દીકરીએ કહ્યું હા, તમારી વાત સાચી છે, એ ખૂબ ભણેલો છે. હું એને મળી, તેની સાથે વાતો કરી. જિંદગી વિશે, સુખ વિશે, શાંતિ વિશે અને પ્રેમ વિશે એનામાં કોઈ સમજ જ નથી. મેં તો એને બહુ સલુકાઈથી કહ્યું કે, તું ભણ્યો તો છે, પણ જિંદગી જીવતા શીખ્યો નથી. ડિગ્રીથી નોકરી મળે છે, જિંદગી નહીં. એ તો આપણે જ શીખવી પડે. અભ્યાસ તો એક તબક્કે પૂરો પણ થઈ જાય છે, જીવતા શીખવાનું તો છેલ્લા શ્વાસ સુધી ચાલતું રહે છે. જિંદગી તો આપણને રોજ કંઈક ને કંઈક નવું શીખવતી રહે છે. જિંદગી આપણને દરરોજ દરેક ક્ષણ જીવવાનું કહેતી રહે છે. અભ્યાસ થોડો ઓછો હશે, માર્ક્સ થોડા ઓછા આવ્યા હશે તો ચાલશે, જિંદગી જીવતા આવડતું હોય તો તમે સુખી અને સફળ જ છો. સારી રીતે જીવતા અને જિંદગીની દરેક ક્ષણ માણતા જેને આવડે એ જ શીખવાનું હોય છે. એ આવડતું હોય તો પૂરતું છે. બાય ધ વે, તમને જિંદગી જીવતા આવડે છેને?

 

છેલ્લો સીન:

આપણા પૂર્વગ્રહો ત્યજી દેવા માટે કોઈ પણ સમય મોડો કે ખોટો નથી.     –થોરો.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 08 ફેબ્રુઆરી, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

6 thoughts on “તું ભણ્યો તો છે, પણ જિંદગી જીવતા શીખ્યો નથી : ચિંતનની પળે

  1. બહુ જ ઉમદા વિચાર. અને વાંચ્યા પછી પણ એ મારા મનમાં હજુ રમે છે. દરેક મનથી મેચ્યોર માણસે જીવનમાં ઉતારવા જેવો લેખ.

  2. Jabarjast jivan na darek pasa ma kam ave evo ek adbhut lekh.
    What life is in reality?
    AA question no vistar purvak and logical javab hato
    I really like it

    Thank you so much

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *