તને નથી લાગતું, હવે તારે નિર્ણય કરી લેવો જોઈએ? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને નથી લાગતું, હવે તારે
નિર્ણય કરી લેવો જોઈએ?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


હશે નીચે, જુઓ, દેખાઈ છે સચ્ચાઈ મારી?
ચડી છે ધૂળ માથે, છાપ નથી ખરડાઈ મારી,
હતી તું માત્ર એક જ એટલો ઇકરાર મારો,
નથી તારા વિના બીજી કશી નબળાઈ મારી.
-કિશોર જીકાદરા

 
સમય સાદ દેતો હોય છે. સમય ઘણી વખત આપણને ઘણું બધું કહેતો હોય છે. સમયની વાત સાંભળવા જેવી હોય છે. સમય કહે છે, હું સતત સરી રહ્યો છું. હું ક્યારે છટકી જઇશ એ ખબર નહીં પડે. હું તારા માટે જ છું પણ તું જો મને વેડફીશ તો હું તારો પણ નહીં રહું. નીકળી જઇશ. તારે હાથ ઘસતા ન રહેવું હોય તો મારી દરેક ક્ષણનો પૂરેપૂરો ઉપયોગ કરી લે. હું સતત ચાલુ છું, એ વાત સાબિત કરે છે કે, હું સજીવન છું. તું મને નિર્જીવ માનવાની ભૂલ ન કરતો. હું પસાર થાઉં છું, મરતો નથી. પસાર થઇ ગયા પછી પસ્તાવો કરનારા મેં ઘણા જોયા છે. તારે એવું ન કરવું હોય તો તું જે લેવા જેવા નિર્ણયો હોય એ નિર્ણય વહેલીતકે લઈ લે. બહુ મોડું કરવામાં માલ નથી! સમયની આવી બધી વાતો તમને સંભળાય છે ખરી?
ઘણા લોકો પોતાના નિર્ણય અને કામને ટાળતા રહે છે. કરી લઈશું, રાઇટ ટાઇમ આવવા દે! રાઇટ ટાઇમ ક્યારેય આવતો નથી. રાઇટ ટાઇમ લાવવો પડે છે. હા, એ વાતથી ઇનકાર ન થઇ શકે કે બધી વાત આપણે ધારીએ એ રીતે કે રાતોરાત ન થઇ જાય. એક રિધમ હોય છે. આપણે ત્યાં કહેવત છે કે, ઉતાવળે આંબા ન પાકે! સાચી વાત છે પણ આંબા જ્યારે પાકવા જોઇએ ત્યારે તો પાકી જ જવા જોઇએ. એક સફળ માણસ હતો. તેના મોટાભાગના નિર્ણયો સાચા નિવડતા હતા. એક વખત એને સવાલ કરવામાં આવ્યો. તમારા નિર્ણયોમાં એવી તે શું ખૂબી છે કે બધા સાચા પડે છે? એ સફળ વ્યક્તિએ કહ્યું, એક જ શબ્દમાં કહેવું હોય તો કહી શકાય કે, ટાઇમિંગ! જિંદગીમાં અમુક તબક્કે તમારે નિર્ણય લેવા પડતા હોય છે. મોડા નિર્ણયો ઘણી વખત ખોટા પડતા હોય છે. હું નિર્ણય માટે પણ વિચારની ડેડલાઇન નક્કી કરું છે. કોઇ નિર્ણય કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં તો એ નિર્ણય કરું છું કે, આ દિવસ સુધીમાં મારે આ નિર્ણય કરી લેવાનો છે. એ યસ પણ હોય શકે અથવા નો પણ હોય શકે. આ ક્રિકેટ જેવું છે. સામેથી બોલ આવતો હોય ત્યારે બોલરના હાથમાંથી બોલ છૂટે એ સાથે જ તમારે એને કેવી રીતે રમવો એ નક્કી કરી લેવું પડતું હોય છે. કોઈ પણ એક મુદ્દે વિચારી વિચારીને કેટલું વિચારવાનું હોય? ઘણા લોકો સતત વિચારતા રહે છે અને પછી પોતાના વિચારમાં પોતે જ ગૂંચવાઇ જાય છે! નિર્ણયો લેતા નથી અને પછી એવું કહેતાં ફરે છે કે, આમ કર્યું હોત તો સારું હતું. કંઈ ન કરવા માટે પણ નિર્ણય તો કરવો જ પડતો હોય છે. ન કરવા માટે પણ લૉજિકની જરૂર પડે છે કે, નથી કરવું તો શા માટે નથી કરવું? નથી કરવાનો વિચાર વધુ મહત્ત્વનો છે, કારણ કે બધું તો તમે કરી જ નથી શકવાના. નથી કરવાનું એ નહીં કરો તો પછી જે કરવાનું છે એ જ બાકી રહેશે!
એક યુવાનની આ વાત છે. તેને નવો બિઝનેસ શરૂ કરવો હતો. એ વિચારો કર્યે રાખતો હતો પણ કોઈ ડિસિઝન પર આવતો નહોતો. એક સમયે તેના પિતાએ કહ્યું, તને નથી લાગતું કે હવે તારે યોગ્ય નિર્ણય કરી લેવો જોઇએ? દીકરાએ કહ્યું, અવઢવમાં છું કે શું કરું? જોખમ લઉં અને ખોટ જશે તો? પિતાએ કહ્યું, ખોટ તો અત્યારે જઈ જ રહી છે! દીકરાએ સવાલ કર્યો, કેવી ખોટ? હજુ તો આપણે કંઈ રોકાણ કર્યું જ નથી! પિતાએ કહ્યું, તું વિચાર કરવામાં જે સમય બગાડે છે એ ખોટ જ છે! સમયની પણ કિંમત છે એ તું કેમ નથી સમજતો? સાચી વાત તો એ છે કે, સૌથી વધુ મૂલ્યવાન કંઈ હોય તો એ સમય જ છે. એ તું વેડફે છે એનું કંઈ નહીં? પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ વિચારીને એક ફાઇનલ ડિસિઝન પર આવી જા!
ઘણા લોકો સાવ છેલ્લી ઘડી સુધી નિર્ણયો લઈ શકતા નથી. એવું લાગે કે, હવે તો નિર્ણય લેવો જ પડશે ત્યારે જ એ નિર્ણય લે છે. એ વખતે પણ નિર્ણય તો એવો જ લે છે જે એના મનમાં ઘણા સમયથી ચાલતો જ હોય છે. એક છોકરીનો આ સાવ સાચો કિસ્સો છે. તેના એરેન્જ મેરેજ થયા હતા. તેનો હસબન્ડ વિચિત્ર સ્વભાવનો હતો. પતિ અને તેના પરિવાર સાથે ફાવે એવું નથી એ વાત તેને થોડા જ સમયમાં સમજાઇ ગઇ હતી. તેણે પિયર આવીને પિતાને બધી સાચી વાત કરી. પિતાએ કહ્યું, તને જે યોગ્ય લાગે એ નિર્ણય કર. હું તારા દરેક નિર્ણયનું સન્માન કરીશ. ડિવૉર્સ લેવા હોય તો પણ તું લઇ લે. આ ઘરના દરવાજા તારા માટે હંમેશાં ખુલ્લા છે. છોકરી નક્કી કરી શકતી નહોતી કે, શું કરવું? તે એવું વિચારતી હતી કે, ધીમેધીમે બધું સરખું થઇ જશે. જે સરખું ન થવાનું હોય એ ક્યારેય સરખું થતું હોતું નથી. સમય વીતતો ગયો. આખરે તેણે પતિથી જુદા પડવાનો નિર્ણય કર્યો. પિયર આવીને તેણે પિતાને કહ્યું કે, મારે આ નિર્ણય વહેલો કરી લેવો જોઈતો હતો. પિતાએ કહ્યું, હા તારે વહેલું કરવું જોઈતું હતું. ઘણી વખત આપણે દુ:ખી થતા હોઇએ એના માટે આપણે જ જવાબદાર હોઇએ છીએ. જે સ્થિતિ અને સંજોગ હોય છે એ આપણાથી સહન થતાં ન હોય તો પણ આપણે ધરાર જીરવતાં રહીએ છીએ. મન ન માનતું હોય અને કર્યે રાખવું એ પોતાની જાત પર જ કરવામાં આવતો અત્યાચાર છે. આપણે બધા ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે, થઇ જશે, સ્થિતિ સુધરી જશે, સૌ સારાં વાનાં થઇ જશે. દર વખતે એવું થતું નથી. મોટા ભાગે તો એવું કરવું પડે છે. આપણે ઘણાનાં મોઢે એવું સાંભળીએ છીએ કે, શું કરવું એ જ સમજ પડતી નથી! હકીકતે ત્યારે જ સમજ પડવી જોઇએ. સમજ એને જ કહેવાય જે રાઇટ ટાઇમે નિર્ણય કરવામાં મદદ કરે. સમજ ન પડે એ અણસમજ જ છે. આપણને ખબર પડતી જ હોય છે, આપણને ફીલ થતું જ હોય છે, જે થાય છે એ આપણી નજર સામે અને આપણી સાથે જ થતું હોય છે. આપણે એ સ્વીકારતા નથી કે, સ્થિતિ સારી નથી. આપણે એવોઇડ કરતા રહીએ છીએ. ઘણી વખત જ્યારે જ્યાં જે બોલવા જેવું હોય ત્યાં બોલી દેવું જોઈએ અને જ્યારે જે કરવા જેવું હોય એ કરી દેવું જોઇએ. મોકાની રાહ જોઈને બેસી રહીએ તો મોકો ક્યારે ચાલ્યો ગયો એની પણ ખબર રહેતી નથી. આપણે પછી વિચારીએ છીએ કે, ત્યારે મારે કહી દેવાની જરૂર હતી. મેં મારા દિલની વાત કરી દીધી હોત તો સારું હતું. જિંદગીમાં કંઇ પણ કરતી વખતે અવઢવમાં ન રહો. સ્પષ્ટ રહો. અસમંજસ માણસને સતત દ્વિધામાં રાખે છે. નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો પણ વધુ પડતો સમય પણ ન લો. એક વખત નિર્ણય લીધા પછી એ સાચો ઠરે કે ખોટો પડે તો પણ અફસોસ ન કરો. બધા નિર્ણયો સાચા પડે એવું જરૂરી નથી. જિંદગીમાં સૌથી ખોટો નિર્ણય એ જ છે કે, કોઇ નિર્ણય ન લેવો. આપણને દિલ રસ્તો દેખાડતું હોય છે. દિમાગ પણ કહેતું હોય છે કે, શું સાચું છે અને શું ખોટું છે. સામે રસ્તો હોય જ છે. આપણે ક્યારેક રસ્તો નીકળવાની રાહ જોઈને બેઠા રહીએ છીએ. ઘણી વખત ચાલવા માંડવું પડતું હોય છે, ચાલીએ એટલે રસ્તો થઈ જતો હોય છે!
છેલ્લો સીન :
સમય તમને પસંદગીની તમામ તકો આપતો હોય છે. આપણી પસંદગી અમુક સમયમાં કરી લેવાની હોય છે. અવસરનો આનંદ એમાં જ છે જો એ સમયસરનો હોય! મોડું હોય એનું મહત્ત્વ ઘટી જતું હોય છે!                       -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 09 એપ્રિલ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *