શું સુખી દેશના લોકો
જરાયે દુ:ખી જ નથી?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
દુનિયાના સમૃદ્ધ અને સુખી દેશોમાં થયેલો અભ્યાસ એવું કહે છે કે,
છેલ્લે તો માણસનો સ્વભાવ, સમજ અને માનસિકતા જ સુખ કે દુ:ખની અનુભૂતિ કરાવે છે!
———–
દરેક માણસ એવું ઇચ્છતો હોય છે કે, એની જિંદગી સારી રીતે પસાર થાય. રોજેરોજ સુખ અને શાંતિનો અનુભવ થાય. કોઇ સાથે સંઘર્ષ ન થાય. અલબત્ત, જિંદગી આપણે ઇચ્છીએ કે આપણે ધારીએ એ મુજબ ચાલતી નથી. જિંદગીમાં દરેક મુકામે કોઇ ને કોઇ પડકાર આપણી સામે મોઢું ફાડીને ઊભો જ હોય છે. એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં જ્યારે દુનિયાના સુખી દેશોની વાત સાંભળીએ ત્યારે એમ થયા વગર ન રહે કે, કેવા નસીબદાર હશે એ લોકો જેનો જનમ આવા દેશમાં થયો. ફિનલેન્ડ છેલ્લાં છ વર્ષથી હેપિએસ્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડની યાદીમાં ટોપ પર બિરાજમાન છે. એના પછી ડેન્માર્ક, આઇસલેન્ડ, ઇઝરાયલ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ અને ન્યૂઝીલેન્ડનો નંબર ખુશહાલ દેશોમાં આવે છે. જો આ બધા દેશો રિઅલ સેન્સમાં હેપી હોય તો પછી ત્યાંના લોકોમાં સ્ટ્રેસ કેમ જોવા મળે છે? ફિનલેન્ડમાં આપઘાતનું પ્રમાણ છેલ્લાં થોડાં વર્ષોમાં ઘટ્યું છે પણ ત્યાં આપઘાત તો થાય જ છે.
દુનિયાના સૌથી સુખી દેશ ફિનલેન્ડના સાત ટકા લોકો ડિપ્રેશનથી પીડાય છે. ટોપ ટેન હેપિએસ્ટ કન્ટ્રીની દશા પણ બહુ વખાણવા જેવી નથી. સૌથી વધુ એંગ્ઝાઇટી અને ડિપ્રેશન લોકોને પરેશાન કરી રહ્યાં છે. દુનિયાના સુખી અને સમૃદ્ધ દેશોમાં થયેલું એક સંશોધન એવું કહે છે કે, સુખની અનુભૂતિ કરવા માટે સાધનો, સુવિધાઓ અને વાતાવરણ ચોક્કસપણે અસર કરે છે, પરંતુ એનો મતલબ જરાયે એવો નથી કે, એ તમને સુખ જ આપે. માણસની પોતાની વેદના અને સંવેદના સુખ કે દુ:ખના અહેસાસ માટે ઘણાબધા અંશે જવાબદાર છે. માણસ જો પોતાને સુખી માને જ નહીં તો એને કોઇ સુખી કરી શકે નહીં. અફઘાનિસ્તાનમાં તાલિબાનો આવી ગયા ત્યારથી આખા દેશની માઠી બેઠી છે. હેપિએસ્ટ કન્ટ્રીમાં અફઘાનિસ્તાનનો નંબર તળિયે છે. આમ છતાં એ દેશમાં પણ પોતાની મસ્તી, ધૂન અને લહેરમાં રહેવાવાળા લોકો છે જ. માણસનું મેન્ટલ સ્ટેટસ અને ટેમ્પરામેન્ટ માણસને સુખી કે દુ:ખી બનાવી શકે છે. ડિપ્રેશનમાં સરી ગયેલા ફિનલેન્ડના એક યુવાને કહ્યું કે, રિલેશનશિપ, કરિયર અને સકસેસ માણસને ક્યારેક મૂંઝારો આપે છે. સમૃદ્ધિની પણ કેટલીક સમસ્યાઓ હોય છે. બહાર બધું સારું હોય પણ અંદરનું શું? માંહ્યલો મૂરઝાયેલો હોય તો ચહેરો ઊતરેલો જ હોવાનો છે!
સુખી કહેવું અને સુખી હોવું એમાં બહુ મોટો ફર્ક છે. સમૃદ્ધ અને શક્તિશાળી દેશોમાં દરેક વ્યક્તિ પોતાની રીતે જીવવા ઇચ્છે છે. ભારત અને બીજા ઘણા દેશોમાં લોકોને એકબીજાની પરવા, ખેવના અને ચિંતા છે. આપણું સુખ જ્યારે કોઇની સાથે જોડાયેલું હોય ત્યારે સુખ બેવડાતું હોય છે. આપણે જ્યારે કોઇની સાથે બધી વાત શૅર કરી શકતા હોઇએ ત્યારે આપણું દુ:ખ અડધું થતું હોય છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લોકો વધુ સેલ્ફ સેન્ટર્ડ છે. એને પોતાના લોકો કરતાં પોતાની ચિંતા વધુ હોય છે. આપણી જિંદગીનો સેન્ટર પોઇન્ટ શું છે અને આપણી લાઇફમાં ઇમ્પોર્ટન્ટ લોકો કોણ છે એટલું જેને સમજાતું હોય એને વાંધો આવતો નથી.
સુખી અને સમૃદ્ધ કહેવાતા દેશોમાં ટેક્નોલોજીએ વળી નવા સવાલો સર્જ્યા છે. લોકો પોતાના ગેઝેટ્સમાં પરોવાયેલા હોય છે. વર્ચ્યુઅલ વર્લ્ડની એવી આદત પડી ગઇ છે કે, એના વગર કોઈને ચાલતું નથી. ધર્મ, આધ્યાત્મિક્તા અને લાઇફની ફિલોસોફીની વ્યાખ્યાઓ નવી જનરેશન કેટલી સમજે છે? માનો કે સમજતા હોય તો પણ કેટલું સ્વીકારે છે એ સૌથી મહત્ત્વનું હોય છે. આપણને ખબર હોય કે, શું સારું છે અને શું ખરાબ છે, શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, એનાથી બહુ મોટો ફેર પડતો નથી. આપણે એને ફોલો કરીએ તો જ આપણી સમજ સાર્થક થતી હોય છે.
ફેમિલી વેલ્યૂઝ આમ તો દરેક દેશમાં છે જ. ક્યાંક થોડીક ઓછી છે તો ક્યાંક ઘણીબધી વધારે છે. પરિવારની ભાવના જિંદગીને સમૃદ્ધ બનાવે છે. આજની સમસ્યા એકલતા છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કપલ્સ પણ સ્વતંત્ર જિંદગી જીવે છે. એક હદથી વધુ પોતાની વ્યક્તિને પણ કહી શકાતું નથી. એક સાવ સાચો કિસ્સો છે. આ વાત સ્વિટ્ઝર્લેન્ડની છે. એક વખત બીજા દેશની વ્યક્તિ સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતે ગઈ. દેશની સમૃદ્ધિ, સુખ અને શાંતિ જોઇને એને થયું કે, આ દેશના લોકો તો કેટલા નસીબદાર છે. અહીં તો બધા જ સુખી અને ખુશ હશે. તે ફરતો ફરતો એક ભાઈના ઘરે ગયો. તેણે કહ્યું કે, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હું આવું? પેલા ભાઈએ તેને ઘરમાં બોલાવ્યો. એ ભાઈને પૂછ્યું કે, તમે આવા સરસ દેશમાં રહો છો, તમને તો કોઇ પ્રોબ્લેમ નહીં હોયને? તેણે કહ્યું કે, દરેક માણસને કોઇ ને કોઇ પ્રોબ્લેમ હોય જ છે. મારી વાત કરું તો હું અત્યારે મારા ઘરે એકલો છું. મારી વાઇફ બહાર ગઇ છે. ક્યાં ગઇ છે એ મને ખબર નથી. ક્યારે આવશે એનો અંદાજ નથી. સંતાનો મોટાં થઇ ગયાં છે. એ પોતાની રીતે જિંદગી જીવે છે. આમ જોવા જાવ તો બધા ખુશ છે પણ આમ બધા એકલતાથી પીડાઇ રહ્યાં છે. લોન્લીનેસ એ અમારો સૌથી મોટો ઇશ્યૂ છે. પોતાની વ્યક્તિ જ્યારે તમને ખાવાનું પૂછે, તમારા માટે કંઈ બનાવે, તમારી હેલ્થ સારી ન હોય ત્યારે તમારી કેર કરે, તમારી વાત સાંભળે, પોતાની વાત કહે, એ બધાની એક મજા હોય છે. એ મિસિંગ હોય ત્યારે જે પેઇન પેદા થાય છે એ તદ્દન જુદું અને બહુ અઘરું હોય છે. તમારે પોતે જ તમારું સુખ શોધવું પડે છે. કોઈ સાથે હોય તો સુખની અનુભૂતિ આપોઆપ થાય છે.
આપણે બધા એવું માનીએ છીએ કે, અમેરિકા, બ્રિટન અને બીજા સમૃદ્ધ દેશોમાં બધા સુખી છે પણ આ વાત સાવ ખોટી છે. બ્રિટનમાં હમણાં ગરીબ લોકો રોડ પર સૂતા હોય એવો વીડિયો વાઇરલ થયો છે. અમેરિકામાં પણ ગરીબ અને દુ:ખી લોકોની કમી નથી. આ વિશે અમેરિકાના એક સમાજશાસ્ત્રીએ સરસ વાત કરી. તેમણે કહ્યું કે, તમે દરેક વાત માટે દેશ કે દેશની સરકારને દોષ આપો એ વાત વાજબી નથી. માણસે પોતે પણ પોતાની લાઇફ સેટ કરવી પડતી હોય છે. માણસની પ્રકૃતિ જ જો આળસુ અને હરામનું ખાવાની હોય તો એનું કોઇ ભલું કરી શકે નહીં. જેને કામ કરવું છે, જેને સ્વમાનથી જીવવું છે, જેને કંઇક કરી છૂટવું છે એને કોઈ રોકી શકતું નથી. માણસે પોતાના સુખની વ્યાખ્યા પણ પોતે જ બનાવવી જોઈએ અને એ માટે જરૂરી હોય એવા પ્રયાસો પણ કરવા જોઇએ.
વૅલ, આ બધી વાતો કરવાનો અર્થ એ પણ છે કે, તમારી સરખામણી કોઇની સાથે ન કરો. આપણી પાસે જેટલું હોય એને પૂરેપૂરું માણીને આપણે સુખી થઈ શકીએ અને દુ:ખને ટાળી શકીએ. કમ્પેરિઝન આવે ત્યાં કોન્ફિક્ટ થવાના જ છે. હેપીનેસ ઇન્ડેક્સ દેશની સ્થિતિ બયાન કરે છે પણ આપણું સુખ તો વ્યક્તિગત હોવાનું છે. પોતાની સ્થિતિ વિશે ફરિયાદો ન કરો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તમારા સંબંધોને સજીવન અને ધબકતા રાખો. સાથે કોઈ હસવાવાળું હશે તો ખુશીનો અહેસાસ બેવડાઈ જશે. જે થયું છે એ સારું છે અને જે થવાનું છે એ સારું જ થવાનું છે. ગઇકાલ પર બહુ વિચાર ન કરો. આવતી કાલની વધુ પડતી ફિકર ન કરો. લોકો કાલ્પનિક ભયમાં જીવતા હોય છે. આપણી જિંદગી, આપણું સુખ અને આપણી સફળતા આપણા હાથમાં છે. તમે સુખી અને ખુશ હશો તો તમે બીજી વ્યક્તિને આનંદમાં રાખી શકશો. છેલ્લે તો માણસ પોતાની પાસે હોય એ જ આપી શકે છે! દરેકે ચેક કરતાં રહેવું જોઇએ કે, મારી જિંદગીમાં જે છે એનો આનંદ તો હું ઉઠાવી શકું છું કે નહીં?
હા, એવું છે!
વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં આપણા દેશ ભારતનો નંબર 137 દેશોમાં 126મા નંબરે છે. આપણા કરતાં પાકિસ્તાન આપણાથી આગળ 103મા નંબરે છે. આ વાત કોઈના ગળે ઊતરે એવી નથી. આપણા દેશના લોકો હવે સુખ અને હેપીનેસનો મતલબ સમજવા લાગ્યા છે. ફેમિલી, સંસ્કારો અને વૅલ્યૂઝ આપણા દેશના લોકો માટે સુખનું મોટું કારણ છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 30 ઓગસ્ટ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
[email protected]