બધાને ખુશ રાખવામાં બહુ દુ:ખી થવાય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાને ખુશ રાખવામાં
બહુ દુ:ખી થવાય છે!


ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


બીતે રિશ્તે તલાશ કરતી હૈ, ખુશ્બૂ ગુંચે તલાશ કરતી હૈ,
એક ઉમ્મીદ બાર બાર આકર, અપને ટૂકડે તલાશ કરતી હૈ.
(ગુંચે=ગુલાબનો છોડ) –ગુલઝાર

જિંદગી ઘણી વખત એનાથી મપાતી હોય છે કે, આપણે આપણો સમય ક્યાં ખર્ચીએ છીએ? દિવસ પૂરો થાય ત્યારે તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, મેં આજે મારો સમય કેવી રીતે વિતાવ્યો? મારો સમય લેખે લાગ્યો છે કે કેમ? મારો સમય વેડફાયો તો નથીને? ધ્યાન ન રાખીએ તો આજના સમયમાં ઘણા લોકો આપણો સમય પણ ચોરી જાય છે. જરાક આટલું કરી આપજેને, મારા વતી ત્યાં જઈ આવજેને, આપણને ખબર ન પડે એમ ઘણા આપણો સમય સેરવી લે છે. સંબંધમાં ઘસાઇએ ત્યાં સુધી વાંધો નથી, છોલાઇ ન જઈએ એની કાળજી રાખવી પડતી હોય છે. દુનિયામાં માણસ બધું સાચવી સાચવીને વાપરતો હોય છે. સમયને આપણે સાચવીને વાપરીએ છીએ ખરા? દુનિયામાં સૌથી વધુ મૂલ્યવાન જો કશું હોય તો એ સમય છે. જેને પોતાના સમયની કિંમત નથી એની જિંદગી વેડફાઇ જાય છે. એક યુવાન હતો. એક વખત તેની એક જાણીતી વ્યક્તિનો ફોન આવ્યો. શું કરે છે? તેણે જવાબ આપ્યો, બેઠો છું અને મને ગમે એવું મ્યુઝિક સાંભળું છું. પેલા ભાઇએ કહ્યું કે, મારું એક કામ કરી આપીશ? તેને ખબર હતી કે આ ભાઇ નક્કામું કામ જ સોંપવાના છે. તેણે પ્રેમથી કહ્યું કે, હું ફ્રી છું પણ અવેલેબલ નથી! આ સમય મારા માટે છે. મારે તેને એન્જોય કરવો છે.
દરેક માણસે પોતાના માટે સમય ફાળવવો જોઇએ. એપોઇન્ટમેન્ટની ડાયરી એટલી પેક ન રાખો કે, આપણા માટે કોઇ સમય જ ન બચે. એક કંપનીનો સીઇઓ હતો. તેણે પોતાની સેક્રેટરીને કહ્યું હતું કે, મારો જે કાર્યક્રમ ફિક્સ થાય એમાં મારા માટે પણ થોડો સમય રહે એની ખાસ કાળજી રાખજે. ઘણા લોકોનાં મોઢે એવું સાંભળવા મળે છે કે, શ્વાસ લેવાની પણ ફુરસદ નથી. એક માણસ સંત પાસે ગયો. સંતને તેણે કહ્યું કે, નવરાં જ નથી પડાતું, મરવાનો પણ સમય નથી. સંતે કહ્યું, મરવાનો સમય તો મરણ શોધી લેશે, તારે તારા માટે જીવવાનો સમય શોધવાની જરૂર છે. ફુરસદ ક્યારેય હોતી નથી, ફુરસદ મેળવવી પડે છે, વૃદ્ધાવસ્થામાં જિંદગીનો અફસોસ ન કરવો હોય તો જિંદગીને જીવતા શીખી લેજો. કામનું એવું છે કે, જેટલું માથે લેશો એટલું વધતું જ જવાનું છે. કામમાં પણ માપ રાખવું પડતું હોય છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે, ઓફિસનું કામ ઘરે લાવે છે. ઓફિસમાં હન્ડ્રેડ પર્સન્ટ આપો પણ એમાંથી એકેય ટકો ઘરે ન લઇ જાવ. ઘરને પણ હન્ડ્રેડ પર્સન્ટ આપવાના હોય છે. માણસે પોતાની માવજત કરવી હોય તો સમયનું જતન કરવું જોઇએ. જિંદગીની દોડમાં એવા ભાગવાની જરૂર જ નથી કે, પોતાની જાત પણ પાછળ છૂટી જાય. સાચો સફળ માણસ એ જ છે જેને સમયની યોગ્ય ફાળવણી કરતા આવડે છે. શેડ્યૂલ એટલું ટાઇટ ન રાખો કે તમે પોતે જ એમાં ભીંસાઇ જાવ. રિલેક્સ રહેવા માટે સમય સાથે ફ્લેક્સિબલ રહેતા શીખવું પડે છે.
ક્યારેક એવું પણ બને છે કે, આપણે જેના માટે કૂચે મરતા હોઇએ એ જ વ્યક્તિ આપણને દુ:ખી કરતી હોય છે. માણસે એ પણ વિચારવું પડે કે, મારા માટે સુખનું કારણ હોય એવી વ્યક્તિ કોણ છે? કોણ એવું છે જેને મારા ચહેરા પર ખુશી જોવી છે? આપણી જિંદગીમાં પણ ઘણા લોકો એવા હોય છે જેના વિશે આપણે એવું કહીએ છીએ કે, એના માટે કંઈ પણ! એની વાત હોય ત્યારે કોઇ વિચાર નહીં કરવાનો. અમુક લોકો આપણી ટોપ પ્રાયોરિટીમાં હોય છે. માણસ માત્ર પોતાના માટે નથી જીવતો, એ પોતાના લોકો માટે પણ જીવતો હોય છે. આખો દિવસ મહેનત મજૂરી કરનાર વ્યક્તિને પૂછજો કે, આખરે તું આ બધું કોના માટે કરે છે? એની પાસેથી જવાબ મળશે કે, મારા પર ઘણી જવાબદારી છે. પોતાના લોકોના ચહેરા પર ખુશી અને આનંદ જોવાની મજા પણ અલૌકિક હોય છે. માણસ માટે પોતાના એકલાનું કરવાનું બહુ અઘરું હોતું નથી. એની જિંદગીમાં બીજું ઘણું બધું હોય છે. જેના પર હેત, પ્રેમ કે લાગણી હોય એના માટે બધું કરી છૂટો, બધાને ખુશ રાખવા જશો તો ક્યારેય સુખી નહીં થાવ. બે મિત્રોની આ વાત છે. એક મિત્ર ખૂબ જ સારો અને ભલો હતો. એનાથી કોઇનું જરાયે દિલ દુભાઇ જાય તો એ પોતે ડિસ્ટર્બ થઇ જાય. આખો દિવસ એ બીજા માટે હેરાન થયા રાખે. તેણે એક વખત તેના મિત્રને કહ્યું કે, મારું ચાલે તો હું ક્યારેય કોઇને નાખુશ ન કરું, બધાને મજામાં રાખું. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, આવું કરવા જઇશ તો તું ક્યારેય સુખી નહીં થાય. બીજાને ખુશ રાખવામાં હું બહુ દુ:ખી થયો છે. બધાને ખુશ રાખવાનો આપણે કંઈ ઠેકો નથી લીધો. આપણા લોકો હોય એને સાચવવાના પણ બધાની ચિંતા લઇને ફરવાનો કોઇ મતલબ નથી. દુનિયામાં એવા લોકોની કમી નથી જે એવા લોકો જ શોધતા હોય છે જે પોતે કહે એટલું કામ કરી આપે. બીજા લોકો પાસેથી પોતાનું કામ કઢાવવું અને પોતે જલસા કરવા એ મેન્ટાલિટી ધરાવનારાઓ પોતાનું કામ ન કરનારને મનફાવે એમ પણ કહેતા હોય છે.
માણસનો પોતાની સાથેનો પણ એક સંબંધ હોય છે. એ સંબંધ પણ દરેક માણસે જાળવવો અને નિભાવવો પડે છે. આપણે આખી દુનિયા સાથે સંબંધો રાખવા મથીએ છીએ. બધાને સારું લગાડીએ છીએ. આપણે ક્યારેય આપણી જાતને સારું લગાડીએ છીએ ખરા? પોતાની જાતને પણ પેમ્પર કરવી જોઇએ. કામ ચોક્કસ કરવું જોઇએ, મહેનત કરતી વખતે તમામ તાકાત લગાવી દેવી જોઇએ પણ રિલેક્સ થવામાં પણ કોઇ કસર છોડવી જોઇએ નહીં. દરેકે એ વિચારવું જોઇએ કે, મને શું પરેશાન કરે છે? કઇ વાતથી મને મજા નથી આવતી? એવી કઇ વ્યક્તિ છે જેના કારણે મને હેરાનગતિ થાય છે? આવી બધી બાબતો પર વિચાર કરીને તેનાથી બને એટલી ઝડપે મુક્ત થઇ જવું જોઇએ. કેટલાંક લોકો એવા પણ હોય છે જેને આપણે દૂર કરી શકતા નથી, જેને દૂર ન કરી શકીએ એને ટેકલ કરવા પડતા હોય છે. એમનાથી બચવાનો સરળ રસ્તો સેઇફ ડિસ્ટન્સ રાખવાનો જ છે. એક યુવાન હતો. તેને પોતાના એક સ્વજન સતત પરેશાન કરતા હતા. કંઈ પણ કામ હોય, એને જ સોંપી દે. એ યુવાને ધીમેધીમે એમને મળવાનું જ બંધ કર દીધું. ફોન કરે તો કહે કે, ઓફિસમાં બહુ કામ રહે છે, નવરાં જ નથી પડાતું. એ ખોટું બોલતો હતો. તેણે કહ્યું કે, સાચું ન સમજે ત્યારે ખોટું ન બોલું તો શું કરું? આપણે તો ખોટું બોલવું હોતું નથી, ઘણા લોકો જ એવા હોય છે જે આપણને ખોટું બોલવા મજબૂર કરે છે. આપણું સુખ, આપણી ખુશી અને આપણી શાંતિ માટે વિચારવામાં કશું જ ખોટું કે ખરાબ નથી. જિંદગી આપણી છે. આપણી જિંદગી આપણે આપણી રીતે પણ જીવવી જોઇએ. સમયે સમયે એ વિચારવું જોઇએ કે, હું શું કરું છું? જે કરવા જેવું છે એ જ હું કરું છુંને? જો એનો જવાબ ના હોય તો તરત જ જરૂરી હોય એ બદલાવ કરો. એની સાથે જ રહો જેની સાથે તમને મજા આવે છે, થોડુંક સારું લાગે છે. જો બીજા માટે જ બધું કરતા રહીએ તો આપણે આપણું ક્યારે કરીશું? જરાક ચેક કરજો, તમે તમારા માટે જીવો છો કે નહીં?
છેલ્લો સીન :
માણસે પોતાના માટે પણ થોડાક સ્વાર્થી થવું જોઇએ. આપણું સુખ, આપણી ખુશી, આપણી પ્રાઇવસી અને આપણું એકાંત આપણા માટે મોખરે હોવું જોઇએ. જો આપણે જ આપણી જાતની કેર નહીં કરીએ તો આપણે કોઇની સંભાળ નહીં રાખી શકીએ. –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 17 સપ્ટેમ્બર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *