લોકોની રાઇટિંગ હેબિટ અને થિંકિંગ પ્રોસેસ બદલાઈ રહી છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લોકોની રાઇટિંગ હેબિટ અને
થિંકિંગ પ્રોસેસ બદલાઈ રહી છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

મોબાઇલ, લેપટોપ, કમ્પ્યૂટર અને બીજી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસે
આપણી લાઇફસ્ટાઇલ બદલી નાખી છે.

લોકો હવે ભાગ્યે જ હાથેથી કંઈ લખે છે.

શું લોકોએ વિચારવાનું પણ ઓછું કરી નાખ્યું છે?


———–

જરાક યાદ કરો, તમે છેલ્લે ક્યારે કોઇને પેન કે બોલપેનથી કોઇને લેટર લખ્યો હતો? પત્રની વાત જવા દો, છેલ્લે તમે ક્યારે પેનથી કંઈ લખ્યું હતું? હા, ઈ-મેઇલ કર્યો હશે, મેસેજીસ પણ કર્યા હશે પણ હાથેથી ખાસ કશું લખ્યું નહીં હોય. સમયની સાથે બધું બદલાતું રહે છે એ વાત આપણે બધા નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ. એ વાત સાચી પણ છે. જોકે હવે જે બદલાવો આવી રહ્યા છે એ માણસની પેટર્ન જ બદલી રહ્યા છે. માણસના બીહેવિયર વિશે થયેલા અભ્યાસો એવું કહે છે કે, લોકો ધીમેધીમે હાથેથી લખવાનું ભૂલી રહ્યા છે. લોકોને કીપેડની આદત પડી ગઇ છે. આગાહીઓ તો એવી થઇ રહી છે કે લોકો કીપેડની મદદથી લખવાનું પણ ભૂલી જવાના છે. લોકો બોલશે અને ટાઇપ થઇ જશે. ઘણા લોકો અત્યારે ઓલરેડી એવું કરી જ રહ્યા છે. હજુ વોઇસ કમાન્ડ સમજવામાં મોબાઇલ કે લેપટોપ ઘણી વખત થાપ ખાઈ જાય છે અને સરખું લખાતું નથી. ટેક્નો એક્સપર્ટ્સ તેનો તોડ શોધી રહ્યા છે. લખવાની વાત ઉપરાંત બીજી જે વાત છે એ વિચારવા વિશે છે. લોકોની થિંકિંગ પ્રોસેસમાં પણ પરિવર્તન આવી રહ્યું છે.
પહેલાં લખવા વિશેની થોડીક વાત કરી લઇએ. માણસની લખવાની જરૂરિયાત સતત ઘટી રહી છે. લોકો લખે તો છે જ પણ એ હવે મોબાઇલ, લેપટોપ કે કમ્પ્યૂટરમાં કીબોર્ડ અથવા તો સ્ક્રીન પરના ટચ કિબોર્ડથી લખે છે. પેન અને બોલપેન હવે રાખવા ખાતર રાખવામાં આવે છે. એક સમયે શર્ટ કે કોટના ખિસ્સામાં પેન રાખવી એ ફેશન ગણાતી હતી. હવે ભાગ્યે જ કોઇ પેન દેખાય એમ રાખે છે. ઘણા લોકો તો પેન રાખતા જ નથી. જેને સહી કરવાની હોય છે એને પેનની જરૂર પડતી હોય છે, બાકી તો પેનનું ક્યાં કંઇ કામ જ રહ્યું છે? હજુ શાળા અને કૉલેજની પરીક્ષાઓનાં પેપર હાથે લખીને આપવાં પડે છે, એના કારણે બાળકો અને યંગસ્ટર્સે હાથે લખવાની પ્રેક્ટિસ રાખવી પડે છે. પરીક્ષા આપતી વખતે ત્રણ કલાક લખવામાં તો સ્ટુડન્ટ્સના હાથ દુખવા લાગે છે. એજ્યુકેશન પણ હવે ડિજિટલ થઇ રહ્યું છે. ઘણા દેશોમાં તો ઓલરેડી બુકલેસ, પેપરલેસ અને પેનલેસ એજ્યુકેશન ક્યારનું શરૂ થઇ ગયું છે. બધું સ્ક્રીન પર જ થાય છે. આપણે ત્યાં પણ ઘણી એક્ઝામ લેપટોપ કે કમ્પ્યૂટર પર ઓનલાઇન લેવાઇ રહી છે. બધી જ એક્ઝામ ડિજિટલી લેવાય એ દિવસો હવે બહુ દૂર નથી. હવે તો એવી આગાહીઓ થઇ રહી છે કે, લોકોએ ભવિષ્યમાં હાથેથી લખવા માટે ટ્યૂશન ક્લાસમાં જવું પડશે. હાથે લખવું એ કેલિગ્રાફી જ ગણાશે. લોકોને એ વાત ગળે જ નહીં ઊતરે કે ભૂતકાળમાં સારા અક્ષર એ એક ગુણ ગણાતો હતો. પરીક્ષામાં તેના માર્ક્સ મળતા હતા. મોતીના દાણા જેવા અક્ષર છે એવું કહીને જેના સારા અક્ષર હોય તેનાં વખાણ કરવામાં આવતાં હતાં. હવે તો ઘણા મિત્રો એવા છે જેણે એકબીજાના હાથે લખેલા અક્ષર જ જોયા નથી!
એક તરફ હાથેથી લખવાનું ભુલાતું જાય છે ત્યારે બીજી તરફ હાથેથી લખવાના ફાયદાઓ પણ ગણાવવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં રાઇટિંગ હેબિટ વિશે થયેલા એક સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, દરરોજ પાંચથી વીસ મિનિટ લખવાથી જીવનમાં ઘણો બદલાવ આવે છે. અગાઉના લોકો રોજનીશી એટલે કે ડાયરી, હિસાબ, પત્રો વગેરે કંઇક ને કંઇક લખતાં રહેતા હતા. હવે લોકો લખવાનું ટાળી રહ્યા છે. માણસ જ્યારે કોઇ વાતે દુ:ખી કે હતાશ હોય અને જો તે પોતાની પીડા, વેદના કે દર્દ ડાયરીમાં લખી નાખે તો તે એક પ્રકારની હળવાશનો અહેસાસ થાય છે. ગુસ્સો, હતાશા, ઉદાસી, નારાજગી કાગળ પર ઠાલવી દો. આ સંશોધન તો એવું પણ કહે છે કે, કાગળ પર પેનથી ન લખો તો પણ વાંધો નથી, મોબાઇલ કે લેપટોપ પર લખો પણ લખો. લખવાની આદત હશે તો સારું લાગશે. લોકો મોટા ભાગે મેસેજ લખે છે અથવા તો સ્ટેટસ અપલોડ કરે છે. લાંબું લખવું હોય તો લોકોના નાકે દમ આવી જાય છે. હજુ સ્થિતિ વધુ બદલાવાની અને બગડવાની છે.
માત્ર લખવાની વાત જ નથી, લોકોની થિંકિંગ પેટર્ન પણ બદલાઈ રહી છે. અગાઉના સમયમાં માણસને કોઈ નિર્ણય કે કોઈ પ્લાનિંગ કરવાનું હોય તો એ એકલો બેસીને થોડી વાર વિચારતા હતો. હવે મોબાઇલ એના વિચારોમાં ભંગ પાડે છે. તમે માર્ક કરજો, આપણે કંઇક વિચારતા હોઇએ અને મોબાઇલની રિંગ વાગે ત્યારે આપણું ધ્યાન ભટકી જાય છે. વાત પૂરી થાય પછી ઘણી વખત તો એવો વિચાર આવી જાય છે કે, આપણે શું કરતા હતા? કોઈનો ફોન ન આવે તો પણ કોઇ ને કોઇ એપ્લિકેશનના નોટિફિકેશનનો ટોન વાગતો જ રહે છે. આ બધું આપણું ધ્યાનભંગ કરે છે. હવે તો ઘણા લોકો કંઇક વિચારવાનું હોય કે કોઇ મહત્ત્વનું કામ કરવાનું હોય ત્યારે પોતાનો મોબાઇલ સાઇલન્ટ મોડમાં રાખી દે છે. સાઇલન્ટ મોડમાં રાખી દીધા પછી પણ ઘણા લોકો એ જોતાં રહે છે કે, કંઈ છે તો નહીંને? કાર્યક્રમોમાં સ્ટેજ પર બેઠેલા સેલિબ્રિટીઓ કાર્યક્રમ ચાલુ હોય એ દરમિયાન પણ ફોન જોયા વગર રહી શકતા નથી. આપણે સતત વિચારી શકતા નથી. વિચારોમાં બ્રેક આવી જાય છે. માણસ ફરવા જાય છે ત્યારે પણ મજા કરવાની જે રીત હતી તે બદલાઈ ગઇ છે. મોબાઇલ વગર કોઇને ચાલતું નથી. જે બદલાઈ રહ્યું છે એને કોઇ રોકી શકવાનું નથી. હ્યુમન બીહેવિયર એક્સપર્ટ્સ એવું કહે છે કે, માણસની એક ખૂબી એ હોય છે કે, એની માનસિકતા ધીમેધીમે નવી ટેક્નોલોજી સાથે સુમેળ સાધી લે છે. નવી જનરેશન તો એનાથી ઓલરેડી ટેવાઇ ગઇ છે. હવે પછીની જનરેશન તો એવું જ માનવાની છે કે, આવું જ હોય! લખવાની આદત ભુલાઇ જાય તો કંઈ આભ ફાટી પડવાનું નથી. ધીમેધીમે લોકો મોબાઇલ અને લેપટોપમાં લખવા સાથે પણ સેટ થઇ જશે. હજુ તો ટેક્નોલોજીમાં કોણ જાણે કેટલાં પરિવર્તનો આવવાનાં છે. અત્યારે જ રોજેરોજ કંઇક ને કંઇક નવું આવતું રહે છે. આજે જે લોકો ફિફ્ટી પ્લસ છે એણે મોબાઇલથી માંડીને ઘણીબધી વસ્તુઓના આવિષ્કાર જોયા છે. આજે જે ટીનેજર છે એણે જન્મથી જ મોબાઇલ જોયો છે એટલે એને કંઈ નવાઈ નથી લાગતી. અત્યારનાં બાળકો પણ નવી ટેક્નોલોજીથી ટેવાઇ ગયાં છે. માત્ર લખવા, વાંચવા કે વિચારવાની જ વાત નથી, હજુ તો ઘણાં પરિવર્તનો આવવાનાં છે અને માણસ એનાથી યુઝ ટુ પણ થઇ જ જવાનો છે. સમયની સાથે નવાં નવાં સંશોધનો, રિસર્ચ અને નિર્માણ થતાં રહેવાનાં છે. જિંદગી અને દુનિયાની મજા જ એ છે કે, બધું બદલાતું રહે છે. માણસજાત સરવાળે ફ્લેક્સિબલ હોય છે એ ધીમેધીમે બધું સ્વીકારી એની સાથે જીવવા ટેવાઇ જાય છે. વિચારવાની ગતિ વધશે અને લોકો ફટાફટ નિર્ણયો લેશે. આમ પણ એક વાત એવી છે કે, ઘણીબધી બાબતો પર માણસ વધુ પડતો વિચાર કરતો હોય છે. જેની પાછળ જેટલો વિચાર કરવાની જરૂર હોય એને એટલો જ ટાઇમ આપવો જોઇએ. ઈન્ફર્મેશન ટેક્નોલોજી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ભલે ગમે એટલી વાતો થતી હોય પણ કુદરતે માણસને જે બ્રેન આપ્યું છે એનો કોઇ જોટો જડવાનો નથી. દુનિયામાં જે છે એ છેલ્લે તો માણસના મગજની જ દેન છે. માણસની જુદી જુદી શક્તિઓ બહાર આવતી જ રહેવાની છે!
હા, એવું છે!
પાટી-પેન એક હવે પછીના દિવસોમાં મ્યુઝિયમમાં જ જોવા મળશે. મા-બાપ સંતાનોને કહેશે કે, જુઓ પહેલાં આવી પાટીમાં એકડા-બગડા લખતા શીખતાં હતા. પેન, બોલપેન અને પેન્સિલનો ઉપયોગ સતત ઘટતો જવાનો છે. ટેક્નોલોજીએ આખેઆખા માણસને જ બદલી નાખ્યો છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 નવેમ્બર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *