જોજો, કારણ વગર ભૂખ્યા ન રહેતા, હેરાન થઈ જશો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જોજો, કારણ વગર ભૂખ્યા
ન રહેતા, હેરાન થઈ જશો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

શરીરને નિયમિત રીતે ઇંધણ તરીકે ખોરાક મળતો રહેવો જોઇએ.
ભૂખ્યા રહેવાથી નકારાત્મક વિચારો, હતાશા, ગુસ્સો અને મૂંઝવણનું જોખમ રહે છે
ડાયટિંગ કરવામાં પણ બોડીની ડિમાન્ડની કાળજી રાખવી જોઇએ


———–

સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઇએ, બપોરનું ભોજન રાજકુમારની જેમ કરવું જોઇએ અને રાતનું ભોજન ભિખારીની જેમ લેવું જોઇએ એવું કહેવાતું આવ્યું છે. કેટલું ખાવું અને શું ખાવું એ વિશે એટલી બધી વાતો થઇ છે કે, ઘણી વાર તો કઇ વાત સાચી અને કઇ વાત ખોટી, કઇ વાત માનવી અને કઇ વાતને ઇગ્નોર કરવી એ નક્કી થઇ શકતું નથી. નિષ્ણાતો એવું કહે છે કે, સવારે ભરપેટ હેલ્ધી નાસ્તો કરવો જોઇએ, બપોરે હળવું ભોજન લેવું જોઇએ અને રાતે ઓછું એટલે કે જરૂર પૂરતું જ ખાવું જોઇએ. આપણે બધા મોટા ભાગે ઊંધું કરતા હોઇએ છીએ. સવારે નાસ્તો અવોઇડ કરીએ છીએ. ચા સાથે થોડુંક કંઇક ખાઇ લઇએ છીએ અને ચલાવી લઇએ છીએ. રાતે ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે રાતે સૂઈ જવાનું હોય છે. આપણે રાતે ખાવામાં કંઇ ધડો રાખતા નથી. રાતે નવરા હોઇએ છીએ એટલે ખાધા રાખીએ છીએ. આપણી લાઇફસ્ટાઇલ બદલાઈ ગઇ છે. અગાઉના સમયમાં લોકો રાતે નવદસ વાગ્યે એટલે સૂઇ જતા હતા, હવે બાર વાગ્યે સૂવું કોમન થઇ ગયું છે. કોઇ કહે કે, હું નવ વાગ્યે સૂઇ જાઉં છું તો લોકોને આશ્ચર્ય થાય છે. લોકોમાં લાઇફસ્ટાઇલ ડિસીઝ વધતા જાય છે, એનું કારણ એ જ છે કે, આપણે આપણી લાઇફ અને આપણી સ્ટાઇલ સાથે એટલાં બધાં ચેડાં કરીએ છીએ કે, વાત જવા દો. હેલ્ધી રહેવું હોય તો ખાવા-પીવામાં ધ્યાન રાખો એવું તબીબો અને ડાયટિશિયનો ઢોલ પીટી પીટીને કહે છે પણ કોઇ વાત સાંભળે તોને!
ભૂખ અને ભોજનની બાબતમાં લોકો બે એક્સ્ટ્રીમ પર જીવતા હોય છે. એક વર્ગ એવો છે જે ઓલવેઝ ઓવરઇટિંગ કરે છે. એ વાત તો અનેક અભ્યાસોથી પ્રૂવ થઇ છે કે, દુનિયામાં જેટલા લોકો ભૂખમરાથી મરે છે એના કરતાં અનેકગણા લોકો વધુ પડતું ખાવાથી મરે છે. દરેકને કંઇક ને કંઇક ભાવતું હોય છે. એ સામે આવી જાય પછી માણસ પોતાના પર જ કાબૂ રાખી શકતો નથી. પસંદગીનું ખાવા માટે માણસ સેંકડો કિલોમીટરની સફર કરતા પણ અચકાતો નથી. બસ, મજા આવવી જોઇએ, સંતોષનો ઓડકાર આવવો જોઇએ. આ વખતે વાત ઓવરઇટિંગની નથી કરવી પણ એવા લોકોની કરવી જે જાણીજોઇને ભૂખ્યા રહે છે. ડાયટના નામે અથવા તો બીજાં કારણસર ઓછું ખાનારાઓની સંખ્યા સતત વધી રહી છે. વધારે પડતું ખાવું જેટલું જોખમી છે એટલું જ ખતરનાક જરૂરિયાત હોય એના કરતાં ઓછું ખાવું છે.
ભૂખ્યા ભજન ન થાય એવું આપણે ત્યાં કહેવાતું રહ્યું છે. ભૂખ્યા ભજન જ નહીં, બીજું ઘણું બધું થઈ શકતું નથી. શરીરને જે જોઇએ એ જોઇએ જ. શરીરને જરૂર પૂરતો ખોરાક ન આપવો એ જાત પર અત્યાચાર છે. કોઇ ચોક્કસ દિવસે ઉપવાસ કરવો એ અલગ બાબત છે પણ કામના કારણે અથવા તો બીજાં કારણસર ભૂખ્યા રહેવાથી માણસનું મગજ પણ ફરી જાય છે. નેધરલેન્ડમાં હમણાં થયેલો એક અભ્યાસ એવું જણાવે છે કે, ખરાબ મૂડનું એક કારણ ભૂખ છે. તમારો મૂડ ખરાબ હોય ત્યારે થોડુંક એ પણ વિચારવાની જરૂર હોય છે કે, મારું પેટ તો ભરેલું છેને? બીજી રીતે કહીએ તો જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે કંઇક ખાઇ લેવું હિતાવહ છે. આપણને બધાને આમ તો એવો અનુભવ હોય જ છે કે, પેટ ખાલી હોય ત્યારે મગજ કામ કરતું બંધ થઇ જાય છે. સુગર અને બીજી કેટલીક બીમારીનો ભોગ બનેલા લોકોએ તો ખાવામાં પૂરતી કાળજી લેવી જ જોઇએ, સાજાસારા લોકોએ પણ સમયસર ખાતાં રહેવું જોઇએ.
પેટ ખાલી હોય તો નકારાત્મક વિચારો આવે છે. માણસ ચીડિયો થઇ જાય છે. આપણે ઘણા કિસ્સામાં એવું જોયું છે કે, કોઇ ગુસ્સે થતું હોય ત્યારે એવું કહેવામાં આવે કે, પહેલાં આને કંઈક ખવડાવી દે! આપણને જોરદાર ભૂખ લાગી હોય અને કોઇ છંછેડે ત્યારે આપણું મગજ છટકે છે. બાળકોના સારા ઉછેર માટે તેની જમવાની કાળજી લેવી અત્યંત આવશ્યક છે. અત્યારના છોકરાઓ પૂરતું ખાતાં નથી, ખાય તો પણ જે ખાવા જેવું હોય એ ખાતા નથી અને ન ખાવા જેવું આચરકૂચર ખાતાં રહે છે. બાળકોને પૂરતું પોષણ નથી મળતું એનું એક કારણ બજારમાં મળતાં પડીકાં છે! ફાસ્ટ ફૂડ અને પડીકાંઓ બાળકોનો વિકાસ રૂંધી રહ્યા છે. ગરીબ બાળકો શાળાએ આવે અને સારો અભ્યાસ કરે એ માટે આપણા દેશમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના બાદ બાળકો પર થયેલો એક અભ્યાસ એવું જણાવે છે કે, બાળકોનાં મગજમાં તેરથી 16 ટકાનો સુધારો થયો હતો. અત્યારે પરીક્ષાની મોસમ ચાલે છે. જે યંગસ્ટર્સ પરીક્ષા આપવાના છે એ ખાવાની બાબતમાં જરાયે બેદરકાર ન રહે એ જરૂરી છે.
ખાવાની બાબતમાં જાત પર જુલમ ન કરવો જોઇએ. ડાયટ કરવામાં કંઈ વાંધો નથી પણ ડાયટનો સાચો મતલબ એ છે કે, જરૂર હોય એટલું ખાવું. ડાયટિંગ કરતી વખતે પણ એટલી કેર કરવી કે, શરીરને પૂરતું પોષણ મળી રહે. ભૂખ અને ખોરાક વિશે એક સત્ય એ પણ છે કે, દરેકની ફૂડની જરૂરિયાત જુદી જુદી હોય છે. ખેતરમાં કામ કરનાર ખેડૂત પરસેવો પાડે છે એટલે તેને વધુ ખાવાનું જોઇએ એ સ્વાભાવિક છે. એર કન્ડિશન્ડ ઓફિસમાં બેસીને કામ કરનારા લોકો જો ખેડૂતો જેટલું ખાવા માંડે તો જાડિયા જ થાય! આપણી બોડીને ખરેખર કેટલું જોઇએ છે એ દરેકે જાણવું જોઇએ.
મહિલાઓ ઘણી વખત કામ અને બીજાં કારણસર જમવામાં બેદરકાર રહે છે. મહિલાઓના શરીરમાં સમયે સમયે હોર્મોનલ ચેન્જીસ આવતા રહે છે. મહિલાઓએ એટલે જમવામાં પૂરતી કાળજી લેવી જોઇએ. પૂરતું જમ્યા ન હોય ત્યારે ગુસ્સો આવે છે અને ડિપ્રેશનના ચાન્સીસ પણ વધી જાય છે. નેધરલેન્ડની ગ્રોનિન્જેન યુનિવર્સિટીના સાઇકોલોજિસ્ટ નિએન્કે જોન્કરે તેમની ટીમ સાથે મહિલાઓ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. 129 મહિલાઓ પર તેમણે કરેલા રિસર્ચમાં મહિલાઓને 14 કલાક ભૂખી રાખવામાં આવી હતી. જેમ જેમ સમય જતો ગયો અને પેટ ખાલી થતું ગયું એમ એમ મહિલાઓને ગુસ્સો આવવા લાગ્યો હતો. કેટલીક મહિલાઓ અપસેટ થઇ ગઇ હતી. આ ઉપરાંત એક અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, માણસ ભૂખ્યો હોય ત્યારે તેના પર નકારાત્મક બાબતો વધુ હાવી થઇ જાય છે. તમે માર્ક કરજો, મોટા ભાગે પેટ ભરેલું હોય ત્યારે જ આપણે મજામાં હોઇએ છીએ. છેલ્લે એક વાત, જમતી વખતે માત્ર ને માત્ર જમવામાં જ ધ્યાન રાખો. જમતી વખતે નો મોબાઇલ, નો ટેલિવિઝન કે નથિંગ. માત્ર ને માત્ર જમવામાં જ ધ્યાન આપવું. આપણે આખરે જે કંઈ કરીએ છીએ એ બે ટાઇમ જમવા માટે જ કરતા હોઇએ છીએ. આખો દિવસ ઢસરડો કરીને જો શાંતિથી જમતા ન હોઇએ તો ધૂળ પડી જિંદગીમાં! આપણો મૂડ, આપણી માનસિકતા, આપણો સ્વભાવ પણ ખાલી અને ભરેલા પેટે જુદું જુદું કામ કરે છે એટલે બાકી બધી પળોજણ મૂકીને જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેવું જરૂરી છે. નિષ્ણાતો તો એમ કહે છે કે, જમવાનો એક સમય નક્કી કરવો અને પછી એ સમયને જાળવી રાખવો. સારું અને લાંબું જીવવું હોય તો એ ચેક કરતાં રહેવું પડે છે કે, મારી ફૂડ પેટર્ન તો બરાબર છેને? જો એમાં કંઈ ગરબડ થઇ તો જિંદગીની ગાડી ગમે ત્યારે પાટા પરથી ઊતરી જશે!
હા, એવું છે!
ભૂખ અને ભોજન વિશે એવું બહાર આવ્યું છે કે, બહુ ઓછા લોકોને કેટલું ખાવું અને ક્યારે ખાવું એની સમજ હોય છે. જેને બેલેન્સ જાળવતા આવડે છે એનું પેટ જ સરખું રહે છે. પેટ બગડે તો દિવસ જ નહીં, જિંદગી બગડવાની શરૂઆત થઇ જાય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 માર્ચ 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *