EMOTIONAL ABUSE
દાંપત્યજીવન માટે આવું
કરવું બહુ જોખમી છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
અત્યાચાર માત્ર શારીરિક જ નથી હોતો, ઘણાં કપલ્સ એકબીજા પર
માનસિક અત્યાચાર પણ ગુજારતાં હોય છે. કપલ્સમાં ઇમોશનલ એબ્યૂઝ એટલે કે
સંવેદનાઓ સાથે રમતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે!
———–
જાપાનમાં હમણાં એક ઘટના બની. એક યુવાને હોકાઇડો ટેલિવિઝન ચેનલને એક ઈ-મેઇલ કર્યો. તેણે લખ્યું કે, મારી માતા યુમી બહુ ઉદાસ રહે છે અને એકલતા ફીલ કરે છે. મારી માતાની આ સમસ્યાનું કારણ મારા પિતા ઓટોયુ કાતાયામા છે. મારા પિતાએ મારી માતા સાથે વીસ વર્ષથી વાત જ કરી નથી! આ ઈ-મેઇલે ટીવી ચેનલના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. આખરે એવું તે શું થયું કે, એક જ ઘરમાં સાથે રહેતું આ કપલ બે દાયકાથી વાત જ કરતું નથી? તેણે આ ઘટના પર કામ કરવાનું નક્કી કર્યું. ટીવી ચેનલે ઓટોયુનો સંપર્ક કર્યો. ઓટોયુએ કહ્યું, હા, આ વાત સાચી છે. હું મારી પત્ની સાથે વાત કરતો નથી. ઓટોયુને કારણ પૂછવામાં આવ્યું. તેણે કહ્યું કે, અમારે ત્રણ સંતાનો છે. બાળકો થયાં એ પછી મારી પત્ની મારા તરફ ધ્યાન જ આપતી નહોતી. આખો દિવસ છોકરાંવમાં જ બિઝી રહેતી. એટલે મેં બોલવાનું બંધ કરી દીધું. ટીવી ચેનલે બંનેની મુલાકાત અને વાત કરાવવાનું ગોઠવ્યું. એક ગાર્ડનમાં બંને ભેગાં થયાં. ઓટોયુએ પત્ની યુમીને કહ્યું કે, આપણે વાત કર્યે ઘણો સમય થઈ ગયો. તને બાળકોની બહુ ચિંતા હતી. તેં ખૂબ તકલીફો સહન કરી છે. પત્ની યુમી આ વાત સાંભળીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ઓટોયુ પણ રડી પડ્યો. આ ઘટના જેણે પણ ટીવી પર જોઈ એ ભાવુક થઇ ગયા હતા. લોકો માટે તો આ એક ઘટના હતી પણ મનોચિકિત્સકો માટે આ એક અભ્યાસનો વિષય હતો. આખરે સાથે રહેતી બે વ્યક્તિ વીસ વર્ષ સુધી વાત કર્યા વગર કેવી રીતે રહી શકે? હ્યુમન સાઇકોલોજીના નિષ્ણાતોએ કહ્યું કે, આ ઇમોશનલ એબ્યૂઝની ઘટના છે. દરેક કપલ ક્યારેક ને ક્યારેક એકબીજાને ઇમોશનલ એબ્યૂઝ કરતા જ હોય છે પણ એ ઘટના થોડાક સમયમાં પૂરી થઈ જતી હોય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને કામચલાઉ અબોલા થઇ જાય એ ઇમોશનલ એબ્યૂઝ જ છે. ક્યારેક આવું થાય એ સ્વાભાવિક છે પણ એ લાંબું ટકે તો જોખમી છે. ઘણાં પતિ-પત્નીના અબોલા બહુ લાંબા ચાલે છે. ભલે એકબીજા સાથે બોલતાં ન હોય પણ અંદરખાને બંને પીડાઈ રહ્યાં હોય છે. મોટા ભાગના કિસ્સામાં બંને એવું ઇચ્છતાં પણ હોય છે કે હવે વાત પૂરી થાય તો સારું. સવાલ એ હોય છે કે, શરૂઆત કોણ કરે? બંનેને એવું જ લાગતું હોય છે કે, જે થયું એમાં મારો કોઇ વાંક નથી, હું શા માટે સામે ચાલીને વાત કરવા જાઉં? એને જરૂર હોય તો મારી પાસે આવે. અબોલા તોડવા માટે પણ રસ્તા શોધવા પડે છે. ઘણા કિસ્સામાં પતિ-પત્ની બોલતાં ન હોય ત્યારે સંતાન મારફતે વાત કરે છે. તારી મમ્મીને આમ કહી દે અથવા તો તારા પપ્પાને આટલું કહી દે. બંને વચ્ચે છોકરાંવનો પણ ક્યારેક મરો થતો હોય છે. નાના હોય ત્યારે તો છોકરાઓ હજુયે મા-બાપના મેસેન્જર બની રહે છે. અમુક ઉંમર પછી છોકરાઓ પણ મા-બાપને કહી દેતાં હોય છે કે, તમે તમારું અંદરોઅંદર ફોડી લો, મને વચ્ચે ન લો!
ઇમોશનલ અત્યાચાર વિશે માનસશાસ્ત્રીઓ એવું કહે છે કે, જરૂરી નથી કે દરેક શોષણના નિશાન માણસના શરીર પર જ દેખાય, ઘણાં શોષણ દેખીતી રીતે નજરે પડતાં નથી! શારીરિક શોષણ કરતાં પણ માનસિક શોષણ વધુ ખતરનાક છે. ઇમોશનલ એબ્યૂઝ એટલે પોતાની વ્યક્તિ સાથે વાત ન કરવી, એને એકલી પાડી દેવી, બધાની વચ્ચે પોતાની વ્યક્તિને નીચી દેખાડવી, ઉતારી પાડવી, ટોણા મારવા અને ન કહેવા જેવું કહેવું. ઇમોશનલ એબ્યૂઝ અને મેન્ટલ ટ્રોમાને નજીકનો નાતો છે. જેની સાથે આવું થતું હોય એ અંદર ને અંદર પીસાતું રહે છે અને ધીમે ધીમે ડિપ્રેશનમાં સરી જાય છે. જરૂરી નથી કે પતિ-પત્નીને કે પત્ની પતિ સાથે આવું કરે, ઘરના કોઈ પણ સભ્ય કે નજીકની વ્યક્તિ આવું કરી શકે છે. ઘણા કિસ્સામાં માણસ કંઈ બોલતો નથી, સહન કરી લે છે પણ સહન કરવાની પણ એક લિમિટ હોય છે. રોજેરોજનો ત્રાસ માણસને કાં તો બળવો કરવા મજબૂર કરી દે છે અને કાં તો એ હતાશામાં સરી જાય છે!
દાંપત્યજીવનમાં સૌથી વધુ અસરકારક જો કંઈ હોય તો એ સંવાદ છે. વાત કરતા રહો. ઘણા કિસ્સામાં પતિ કે પત્ની દ્વારા કંઈક ન ગમે એવું થાય ત્યારે બીજી વ્યક્તિ સાંભળી લે છે, કંઈ બોલતી નથી, આવું ન કરવું જોઇએ. તમને ન ગમે એવું કંઈ થાય તો તમારી વ્યક્તિને કહો કે, તું આવું કહે કે તું આવું કરે ત્યારે હું હર્ટ થાઉં છું. આ કહેતી વખતે શાંતિ બહુ જરૂરી છે. ઝઘડો નથી કરવાનો. એક સાવ સાચી ઘટના છે. પતિ પત્નીને મશ્કરીમાં કહેતો હતો, તને ક્યાં કંઈ ખબર પડે છે? પત્ની કંઈ બોલતી નહીં. બહુ સમય થયો. એક વખત પતિએ ફરીથી એવું કહ્યું ત્યારે પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પતિને પહેલાં તો કંઈ ન સમજાયું. આખરે તેણે પત્નીને પૂછ્યું કે, શું થયું? તું કેમ આમ અચાનક રડવા લાગી? પત્નીએ કહ્યું કે, તમે મને વારંવાર એવું કહો છો કે, મને કંઇ ખબર પડતી નથી. પતિએ કહ્યું, અરે, હું તો દર વખતે મજાકમાં કહું છું, હું જરાયે સીરિયસલી કહેતો નથી. તને ગમતું નહોતું તો તેં અત્યાર સુધી કહ્યું કેમ નહીં? ઘણા કિસ્સામાં આવું પણ થતું હોય છે. પોતાની વ્યક્તિને શું ગમે છે અને શું નથી ગમતું એ પણ એકબીજાને ખબર નથી. આવો જ એક કિસ્સો મનોચિકિત્સક પાસે આવ્યો હતો. મનોચિકિત્સકે કાઉન્સેલિંગ પહેલાં પતિ અને પત્નીને કેટલાંક સવાલો પૂછ્યા. પતિને પૂછ્યું કે, તમારી પત્નીનો ફેવરિટ કલર ક્યો છે? તમારી પત્નીને સૌથી વધુ શું ભાવે છે? બીજા પણ ઘણા સવાલો પૂછ્યા. પતિ એક સવાલનો સાચો જવાબ પણ આપી શક્યો નહોતો. બાય ધ વે, તમને આવા સવાલો કરવામાં આવે તો તમારી પાસે એના જવાબ છે? તમે તમારી વ્યક્તિને કેટલી ઓળખો છો? ઘણા લોકો તો વર્ષો થઈ જાય તો પણ એકબીજા સાથે અજાણ્યાં હોય છે. શારીરિક રીતે ભલે ભેગાં રહેતાં હોય પણ માનસિક રીતે બંને જુદી જુદી દુનિયામાં જીવતાં હોય છે. બંનેની દુનિયા એક થાય ત્યારે જ સાચું સહજીવન શક્ય બનતું હોય છે.
તમે કેટલી વખત એકબીજા સાથે વાત કરો છો એ પણ મહત્ત્વનું છે. પતિ પત્નીમાં વાત કરવાનું ઘટતું જાય છે. બહુ ઓછાં કપલ્સ સાથે બેસીને શાંતિથી વાત કરતાં હોય છે. મેરેજ થાય એ પછી તો હજુયે વાત થતી હોય છે પણ જેમ જેમ સમય જાય એમ એમ વાતો કરવાનો સમય ઘટતો જાય છે. વાતોના વિષય પણ મળતા નથી. હવે બંને ફોન લઇને બેઠાં હોય છે. વાત કરવી હોય તો પણ મોકો શોધવો પડે છે અને મૂડ ચેક કરવો પડે છે. બાળકનું આગમન થાય એ પછી પણ બંનેએ એકબીજાની લાગણી પ્રત્યે સતર્ક રહેવું જોઇએ. બાળકની સંભાળ જરૂરી છે અને ધ્યાન માંગી લે છે એમાં ના નહીં પણ બાળકના કારણે અંતર વધી જવું ન જોઇએ. બાળકના ઉછેરમાં પણ બંને જો એકસરખો હિસ્સો લે તો પ્રેમ જળવાઇ રહે છે. દાંપત્યજીવનમાંથી જો રસ ઊડવા લાગે તો સમજવું કે મેરેજ લાઇફમાં પ્રોબ્લેમ છે. પહેલેથી જ ધ્યાન રાખવામાં આવે તો વાંધો આવતો નથી પણ જો સમય જવા લાગે તો ડિસ્ટન્સ વધતું જશે. આ દરમિયાન સૌથી વધુ ધ્યાન જાણે-અજાણે ઇમોશનલ એબ્યૂઝની ઘટના ન બને તેનું રાખવાનું હોય છે. સંભળાવો નહીં અને કંઈ હોય તો સાથે બેસીને ચોખવટ કરી લો. છેડા એમ જ નથી ફાટતા એ પહેલાં ઘણા તાણાવાણા તૂટતા હોય છે!
હા, એવું છે!
દાંપત્યજીવન વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, અગાઉનાં અને અત્યારનાં દાંપત્યજીવનમાં બહુ ફર્ક આવી ગયો છે. હવે કમાવાનું કામ માત્ર પુરુષો કરતાં નથી, સ્ત્રીઓ પણ કામ કરે છે. જે કપલ્સ એ સ્વીકારી લે છે કે, જેમ કમાવાનું કામ બંનેનું છે, એવી જ રીતે ઘરકામ સહિતની તમામ જવાબદારીઓ પણ બંનેની છે, એ કપલ્સ સારી રીતે જીવી શકે છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 માર્ચ 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
[email protected]